આ પ્રસંગ લોકો દ્વારા ઘણા કારણોસર કરવામાં આવે છે, જેમના થોડા નીચે મુજબ છે :-
મહેર પરિવાર ની પરંપરા મુજબ આ પ્રસંગ જયારે નવી વહુ ઘરે આવે છે ત્યારે કરવામાં આવે છે, આ પ્રસંગ થી નવ-દંપતી ને તેમના જીવન માં માતાજી ના ખુબજ આશીર્વાદ અને સુખ પ્રાપ્ત થાય છે.
બીજા ઘણા પરિવારો ની પરંપરા મુજબ, તેઓ ગર્ભ માં ઉછરી રહેલ બાળક ને માતાજી ના આશીર્વાદ મેળવવાઆ આ પ્રસંગ ગર્ભ રહ્યા ના સાતમાં મહીને કરે છે. અમુક લોકો આ પ્રસંગ પોતાના બાળક ના પ્રથમ વખત વાળ ઉતરાવે(બાલમુવારા) ત્યારે કરે છે. તેઓ માતાજી ને પોતાના બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે, આ પ્રસંગ જયારે કોઈ બાળક ને જનોઈ અપાય ત્યારે પણ કરવામાં આવે છે જેથી માતાજી એ બાળક ની રક્ષા કરે તેમજ અભ્યાસ માં ખુબજ સફળતા પ્રાપ્ત કરાવે.
ઘણા લોકો આ પ્રસંગ પોતાના માતાજી પ્રત્યેના પ્રેમ-ભાવ થી કરે છે.
આ પ્રસંગ મોટા ભાગે પોતાના ઘરે જ કરવામાં આવે છે, જેથી ઘર ને પણ માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગ મોટા ભાગે મંગળવારે તેમજ રવિવારે કરવામાં આવે છે. આ દિવસો આ પ્રસંગ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પ્રસંગ નું આયોજન અગાઉ થી જ કરવું જોઈએ જેથી તણાવ મુક્ત પ્રસંગ થઇ શકે, પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણે જરૂરી વસ્તુઓ ની યાદી બનાવી લેવી જોઈએ જેમ કે, ખાવા પીવાની વસ્તુઓ અને માતાજી ને ધરવાની વસ્તુઓ. આ પ્રસંગ નો વધુ લાભ મેળવવા નો આધાર કેટલી ગોયણી છે તેના પર રહેલો છે, કોઈ પણ સ્ત્રી કે જેને માતાજી પર શ્રદ્ધા હોય તે ગોયણી બની શકે છે, ગોયણી પ્રસાદ લઇ શકે તેવી હોવી જોઈએ અને ગર્ભસ્થ ન હોવી જોઈએ. આ દિવસે ગોયણી ને માતાજી ના સ્વરૂપે પૂજવામાં આવે છે.
ગોયણી ની ગણતરી તેડાયેલા લોટા ની સંખ્યા મુજબ કરવામાં આવે છે, લોટા હમેશા જોડ માં ગણવામાં આવે છે. જેમ કે દરેક જોડ માટે ૧૪ ગોયણી.
પ્રસંગ ની વિધિ કરાવનાર બ્રાહ્મણ આવે છે અને માતાજી નો મઢ તૈયાર કરે છે, જે ખંડ માં માતાજી નો મઢ બનવા માં આવે છે ત્યાં નું વાતાવરણ સ્વચ્છ અને શાંત રાખવામાં આવે છે જેથી ત્યાં માતાજી નું ધ્યાન કરી શકાય અને ગરબા ગાય શકાય. દંપતી દ્વારા માતાજી ના પ્રસાદ માટે ખીર નો પ્રસાદ પણ આ દિવસે તૈયાર કરવામાં આવે છે.
પ્રસંગ ની વિધિ કરાવનાર બ્રાહ્મણ વહેલી સવારે પૂજા શરુ કરે છે, સૌ પ્રથમ પ્રાર્થના ભગવાન શ્રી ગણેશ ની કરવામાં આવે છે અને કાર્ય માં કોઈ વિઘ્ન ના આવે એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશજી ને સ્નાન કરાવાય છે અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ બ્રાહ્મણ બધા દેવી દેવતાઓ ને ગ્રહોને તેમજ રાંદલ માતાજી ને પ્રસંગ માં પધારાવનું આમંત્રણ આપે છે. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. એક વાર દીવો પ્રગટાવ્યા પછી એ સોમવાર સવાર સુધી ચાલુ રાખવામાં આવે છે. દીવા ને પ્રસંગ ના સાક્ષી તરીકે જોવામાં આવે છે.
માતાજી ને દૂધ નો પ્રસાદ અર્પણ કરી ને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે, પછી ખીર પળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પૂજા પુર્ણ થયા બાદ, દંપતી અથવા વડીલ રાંદલ માતાજી ના મઢ જઈ ને ભુઈ માં અથવા ભુવા ને આમંત્રણ આપે છે.તેઓ ને માતાજી ના રૂપે જોવા માં આવે છે. માતાજી સચરાચર વ્યાપેલા છે મુખ્યત્વે આપણા હ્રદય માં, આ આમંત્રણ પ્રંસંગ ના એક ભાગ રૂપે છે.
પ્રસંગ કરનારે ચાંદલા, ભાત, ફળો, નાળીયેર વગેરે ધરાવવું જોઈએ. ભુઈમાં કે ભુવા તેમને આશીર્વાદ આપે છે, દંપતી પ્રાર્થના કરે છે કે માતાજી તેમના ઘરે ફરી પધારે અને તેમને આશીર્વાદ આપે.
આ દિવસે વહેલી સવારે વિશિષ્ટ પ્રકાર નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ખીર પળ નો તૈયાર કરેલો પ્રસાદ ઘર માં જ રાખવામાં આવે છે. ખીર પળ મુકેલો થાળ તેયાર કરવામાં આવે છે. જેનો પ્રથમ ભાગ માતાજી ને ધરવામાં આવે છે. માતાજી ને પ્રસાદ અર્પણ કરીએ ત્યારે વિશેષ પ્રકાર ના ગરબા ગાવામાં આવે છે. આમંત્રિત કરાયેલી ગોયણીઓ તેમના પરિવાર સાથે પધારે ત્યારે તેમનો પોતાની જ પુત્રી ની જેમ ખુબજ સત્કાર કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેમાં થી કોઈ એક ગોયણી રૂપે માતાજી સાક્ષાત પધારે છે.
સત્કાર માં સૌ પ્રથમ ગોયણી ના જમણા પગ ના અંગુઠા ને ધોઈ ને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર કંકુ નો ચાંદલો કરી ને ચોખા છાંટવામાં આવે છે. દરેક ગોયણી નો અંગુઠો આ રીતે હુંફાળા પાણી થી પછી દૂધ અને પછી ફરી પાણી થી ધોવામાં આવે છે. અંગુઠો ધોવાઇ ગયા બાદ, ફરી તેના પર કંકુ નો ચાંદલો કરીને ચોખા છાંટવામાં આવે છે. અંગુઠો ધોવાના આ કાર્ય ને માતાજી તરફ ના પ્રેમ અને ભક્તિ તરીકે જોવામાં આવે છે. અંગુઠો ધોવાનું કાર્ય સ્ત્રી દ્વારા જ કરવામાં આવે છે. મોટા ભાગે ઘરની મુખ્ય સ્ત્રી જ આ કાર્ય કરે છે. જો સંભવ હોય તો આ કાર્ય જ્યાં માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં કરવામાં આવે છે. ત્યાર બાદ બધી ગોયણી ને ભેટ સ્વરૂપે ચાંદલો અને સોપારી આપવાના આવે છે, અથવા કોઈ બીજી યથાશક્તિ ભેટ પણ આપવામાં આવે છે.
પ્રસંગ દરમિયાન અંગુઠો ધોયેલી ગોયણી ની સંખ્યા નું ધ્યાન રાખવું આવશ્યક છે, કેમ કે પ્રસંગ તો જ સફળ થયો ગણાય કે જો મઢમાં મુકાયેલા લોટા ની સરખામણી માં ગોયણી થઇ હોય, એથી વધુ થાય તો પણ ચાલે પરંતુ ઓછી તો ના જ થવી જોઈએ.
હવે ગોયણી ને જમાડવામાં આવે છે. જેમાં ખીર પળ સૌથી પહેલા પીરસવા માં આવે છે જે ગોયણી એ સૌ પ્રથમ ગ્રહણ કરવાનું હોય છે, ત્યાર બાદ તે જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે છે અથવા જઈ શકે છે અથવા રોકાઈ પણ શકે છે, પરંતુ ખીર પળ નો પ્રસાદ ઘર ની અંદર જ લેવાનો હોય છે કે જે લીધા વગર જઈ શક્તી નથી. ત્યાર બાદ માતાજી ના ગરબા ગાવા માં આવે છે. ગરબા ગાવા થી મન અને વાતાવરણ ભક્તિમય અને શુદ્ધ થાય છે અને મન પ્રસંગ માં પરોવાયેલું રહે છે.
રવિવારે સાંજે લગભગ ૪.૦૦ વાગ્યે ઘર ના બધા ભેગા મળીને જ્યાં માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં ગરબા ગાય છે. આ સમય ને પ્રસંગ નો સૌથી સુંદર સમય માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ મઢ માં જઈ ને ભુઈમાં કે ભુવા ને પ્રસંગ ની જગ્યાએ આવવાનું આમંત્રણ આપવા જાય છે. ભુઈમાં કે ભુવા ને માતાજી ના નજીક ના ભક્ત તરીકે જોવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેઓ માતાજી સાથે સંપર્ક કરી ને વાત પણ કરી શકે છે.
ઘરના બધા જયારે ગરબા ગાતા હોય ત્યારે ભુઈમાં કે ભુવા માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં આવે છે અને પોતાનું સ્વરૂપ બતાવે છે કે જેના માટે તેઓ આવ્યા હોય છે, પ્રસંગ ના આ ભાગ ને ઘોડો ખૂંદવો કહેવામાં આવે છે. ગરબા ગવાતા હોય ત્યારે ભુઈમાં ને માતાજી આવે છે ને બોલે છે. જેટલા પ્રભાવ ને ભક્તિ ભાવ થી ગરબા ગાવા માં આવે છે એટલી જ માતાજી ની પ્રભાવશાળી હાજરી ઘોડો ખૂંદવા ના પ્રસંગ માં હોય છે.
ઘરના લોકો માતાજી ને ભુઈમાં દ્ર્વારા પૂછી શકે છે કે તેઓ નો પ્રસંગ સફળ થયો કે નહિ, તેઓ પ્રસંગ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના પણ કરી શકે છે. આના માટે કોઈ વિશેષ શબ્દો નથી હોતા, પોતાના મન થી અને ભાવપૂર્વક શબ્દો થી તેઓ માતાજી ને પ્રશન કરી શકે છે.
માતાજી નો જવાબ ભુઈમાં કે ભુવા દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન વધુ ને વધુ ગરબા ગઈ ને માતાજી ને પ્રસાદ અને દૂધ અર્પણ કરવા માં આવે છે. તે માટે માતાજી ને પ્રસાદ માટે બોલાવવા માટે વિશેષ ગરબા પણ ગાવા માં આવે છે. ક્યારેક જરૂર પડે તો ભુઈમાં પણ આ કાર્ય માં સહાય કરે છે.
થાળ અર્પણ કર્યા પછી આરતી કરવા માં આવે છે. ત્યાર બાદ થોડી પ્રાર્થના કર્યા બાદ પ્રસંગ ને વિરામ આપવામાં આવે છે. આ એક વિશેષ સમય હોય છે કે જયારે મન માં વિચારો સ્થિર કરી ને આખા પ્રસંગ નો મહિમા વિચારવો જોઈએ.
આરતી કાર્ય પછી પ્રસંગ કરનાર નો ઉપવાસ પણ પૂર્ણ થઇ જાય છે. તેઓ મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઇ શકે છે. આ દરમિયાન તેમણે પ્રસંગ ના સાક્ષી ઘી ના દીવા ને ભૂલવો જોઈએ નહિ. તેમને એ દીવો પ્રગટાવેલો રહે અને ઓલવાઈ ના જાય તેણી રાત્રે પણ કાળજી રાખવી પડે છે. આધ્યાત્મિક અને સુરક્ષા ની દ્રષ્ટીએ કોઈ એક વ્યક્તિએ માતાજી ના સ્થાપન વાળા ખંડ માં જ કે જ્યાં દીવો છે ત્યાં જ સુવું જોઈએ.
સોમવાર ની સવાર
ફરી એક વાર પ્રસંગ કરનારે આ દિવસે જ્યાં સુધી પ્રસંગ વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. સવારે માતાજી ને દાતણ અને ત્યાર બાદ દૂધ અર્પણ કરવામાં આવે છે. વિધિ કરનાર બ્રાહ્મણ સોમવારે ફરી વહેલી સવારે પૂજા કરાવા આવે છે આવે છે. આ પૂજા માતાજી ને આભાર વ્યક્ત કરી ને તેમને પાછા વળાવવા માટે હોય છે જેને ઉત્થાપન પણ કહેવામાં આવે છે. આ પૂજા માં એકાદ કલાક જેવો સમય લાગે છે અને આ પૂજા બંને દંપતીએ સાથે બેસીને કરવાની હોય છે
આ પૂજા માં એક વિશેષ પ્રકાર નો પ્રસાદ માતાજી ને અર્પણ કરવામાં આવે છે, જેમાં કુલેર અને નાળીયેર નો સમાવેશ થાય છે. દર બે લોટાએ એક નાળીયેર મઢ માં મુકવામાં આવે છે, જેને માતાજી ને સવારનો નાસ્તો કરવાના ભાવ થી અર્પણ કરવામાં આવે છે. પ્રસાદ મુખ્યત્વે આ ક્રમ થી અર્પણ કરવામાં આવે છે : દાતણ ; દૂધ; કુલેર; અને છેલ્લે નાળીયેર, વિધિ કરાવનાર બ્રાહ્મણ આ પ્રમાણે ક્રમિક પૂજા માં મદદ કરે છે.
આ પૂજા રાંદલ માતાજી ના પાછા વળાવવા સાથે પૂર્ણ થાય છે. આ વિધિ આશરે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી માં પૂર્ણ થઇ જાય છે. તેના પછી મઢ (મંડપ) નું ઉત્થાપન કરવામાં આવે છે.
સારાંશ: રાંદલ માતાજી ના આ પ્રસંગ નો અભ્યાસ કરતી વખતે મુખ્ય ઉદ્દેશ ભૂલવો જોઈએ નહિ. આપણે દેવી માં ને આપણા ઘરે શ્રદ્ધા અને વિનમ્રતા સાથે આવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપણે માતાજી ને પ્રેમ અને પ્રસંશા કરીએ છીએ કેમ કે તે આપણને ચાહે છે. જો આપણે આ પ્રસંગ સારા ઈરાદાપૂર્વક અને શ્રદ્ધા થી કર્યો હશે તો નાની ભૂલો ચોક્કસ માફ થઇ જશે.