રાંદલ માતાજીનું પ્રાગટ્ય
રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્મા ના પુત્રી રૂપે અવતર્યા હતા. રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણ ને તેમના પ્રતિ લાગણી થઇ અને તેમની સાથે વિવાહ ની ઈચ્છા થઇ. તેઓએ સીધાજ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ ને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્મા એ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ, છતાં પણ ભગવાન સૂર્યનારાયણ એ હાર માની નહિ.

વિવાહ

એક વખત રાંદલ માતાજી ના માતાજી ભગવાન સૂર્યનારાયણ ના ઘરે માટી નું બનેલું પાત્ર માંગવા ગયા, ભગવાન સૂર્યનારાયણ ના માતાજી એ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રી ના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે.
ભગવાન સૂર્યનારાયણ એ આ શરત નો લાભ લીધો, જયારે રાંદલ માતાજી ના માતાજી પાત્ર લઇ ને ઘોડા પર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે, ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તા માં બે આખલા ને લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથ માંથી પડી ગયું અને તૂટી ગયું, શરત મુજબ રાંદલ માતાજી ના માતાજી એ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા.

વિવાહ પછી

ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજી ને એક પુત્ર (યમરાજ) અને એક પુત્રી (યમુનાજી) થયા. ભગવાન સૂર્યનારાયણ ના અતિશય તેજ ના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણ ને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાન ના લીધે તેઓની સામે નથી જોતા, જેથી કરી ને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલ માં પોતાના સંતાનો સાથે ભટકશે.
ભગવાન સૂર્યનારાયણ ના શ્રાપ ના લીધે, રાંદલ માતાજી એ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાન ની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતા ના ઘરે ચાલ્યા ગયા.જયારે ભગવાન વિશ્વકર્મા એ રાંદલ માતાજી ને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજી એ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિ ને છોડી ને અહી આવ્યા છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે વિવાહ પછી દીકરી નું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય. જેથી કરી ને માતાજી પોતાના પિતાનું ઘર છોડી ને જંગલ માં તપ (તપ એટલે ભૂખ્યા અને તરસ્યા રહીને ભગવાન ની પ્રાર્થના કરવી) કરવા ચાલ્યા ગયા. રાંદલ માતાજી એ જંગલ માં ૧૪,૦૦૦ વર્ષ સુધી તપ કર્યું. (આપણુ એક વર્ષ એટલે તેઓ નો એક દિવસ)

જંગલ મા તપ

રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો, ન તો તેઓ પોતાના પતિ ના ઘરે જઈ શકે તેમ હતા ન તો પોતાના પિતા ના ઘરે, તેથી તેઓએ જંગલે માં તપ શરુ કર્યું. તે દરમિયાન માતાજી ના છાયા સ્વરૂપે (જે સૂર્યનારાયણ દેવ પાસે હતા) બે બાળકો ને જનમ આપ્યો (શનિદેવ અને તાપીદેવી). એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો, ત્યારે શનિદેવ ના માતાજી એ યમરાજ ને શ્રાપ આપ્યો કે જયારે તેઓ પોતાના પગ જમીન પર મુકશે ત્યારે તેમાં થી લોહી નીકળશે. સાંજે જયારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજ એ તેમને કહ્યું કે માતાજી ના શ્રાપ ના લીધે જયારે તેઓ જમીન પર પગ મુકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે.
ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજ ને ઠીક કર્યાં ને મન માં વિચાર કર્યો કે કઈક ખોટું થઇ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકો ને શ્રાપ ના આપે, અને આપે તો પણ પોતાના બાળકો તે શ્રાપ થી ના પીડાય. તેથી તેમણે રાંદલ માતાજી ના છાયા સ્વરૂપ ને બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહિ ને કહ્યું કે જો તમે સત્ય નહિ કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ, જેથી તેણી એ સત્ય કહેવું પડ્યું. સત્ય જાણ્યા પછી સુર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્મા ના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે તેઓ ને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા.
ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિષે કોઈ જવાબ ના મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું ને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે, પછી તેઓએ ઘોડા નું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજી નું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળ નું કારણ પૂછ્યું, ત્યારે માતાજી એ કહ્યું કે તેઓ ભગવાન ના તેજ ના લીધે તેઓ ની સામે જોવા ને સક્ષમ ન હતા, આ સાંભળી ને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ ચાર અલગ વસ્તુઓ માં સરખા ભાગે વહેચી દીધું.

આ ચાર વસ્તુઓ નીચે પ્રમાણે હતી –

  • ભગવાન શિવ નું ત્રીસુળ
  • ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર
  • ગાય
  • પૃથ્વી

માતાજી જંગલ માંથી પરત ફર્યા

એ સમયે માતાજી એ વધુ બે પુત્રો ને જન્મ આપ્યો જેઓ અશ્વિનીકુમારો કહેવાયા, અશ્વિનીકુમારો ભગવાન ના વૈદ્ય હતા, ભગવાન સુર્યનારણ રાંદલ માતાજી ને પોતાના ઘરે પરત લાવ્યા, ત્યારે માતાજી ના છાયા સ્વરૂપે રાંદલ માતાજી ને તેઓને પોતે કરેલી સેવા ના બદલે આશીર્વાદ આપવા કહ્યું. ત્યારે રાંદલ માતાજી એ તેમને વચન આપ્યું કે જયારે કોઈ લોટા(હિંદુઓ દ્વારા પોતાની ઈચ્છાપુરતી માટે થતું સત્કાર્ય) તેડાવશે તત્યારે તેઓ બંને સાથે જોડ માં જ હશે જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે, ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જયારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ‘ઘોડો ખુંદવાનો’ પ્રસંગ પૂરો નહિ થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહિ મનાય.
ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજી ને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક(પૃથ્વી) પર જઈને લોકો ના દુ:ખ દુર કરે અને તેમને સત્ય અને ધર્મ નો માર્ગ બતાવે.