મહા શિવરાત્રી
મહા શિવરાત્રી ને ભગવાન શિવ ની મહાન રાત્રી તરીકે માનવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવ ના ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવ ને બિલ્વપત્ર અર્પણ કરે છે.
મહાશિવરાત્રી ઉત્સવ અથવા ‘શિવની રાત્રિ’ ભગવાન શિવના માનમાં ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાય છે. શિવ હિન્દુઓના ત્રીદેવો માંના એક દેવ છે.
શિવરાત્રી હિન્દુ મહિનાના ફાગણ વદ ચૌદશની તિથિના રોજ આવે છે, જે ઇંગલિશ કૅલેન્ડરમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનાના અનુરૂપ છે.
શિવરાત્રી નો ઉત્સવ ઉજવવા માટે શિવભકતો દિવસ રાત ઉપવાસ કરે છે અને ભગવાન શિવ ને પ્રસન્ન કરવા શિવલિંગ ની પૂજા કરે છે. શિવરાત્રી ઉજવવા માટે ભક્તો પ્રાત: કાલે વહેલા ઉઠી જાય છે અને ધાર્મિક સ્નાન કરે છે.
જેમાં ગંગા નદી માં સ્નાન ને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યાર બાદ ચોખ્ખા નવા કપડા પહેરીને નજીક ના શિવ મંદિરે જાય છે અને ભગવાન શિવ પર દૂધ, મધ અને પાણી થી અભિષેક કરે છે.
શિવરાત્રી પર, ભગવાન શિવની પૂજા રાત દિવસ સુધી ચાલુ રહે છે. દર ત્રણ કલાકે મંદિર ના પુજારી ‘ઓમ નમ: શિવાય’ નું રટણ અને મંદિરની ઘંટડીઓના નાદ વચ્ચે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ અને પાણી થી શિવલિંગ ને સ્નાન કરાવી તેની ધાર્મિક વિધિ થી પૂજા કરે છે.
શિવરાત્રી દરમિયાન શિવ મંદિરોમાં જાગરણ યોજવામાં આવે છે જ્યાં મોટાભાગના ભક્તો ભગવાન શિવની સ્તુતિ અને ગીતો ગાતા ભક્તિમય રાત વિતાવે છે. તેઓ બીજે દિવસે સવાર ના શિવ ને અર્પણ કરેલો પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ પૂર્ણ કરે છે.
સોમવાર ને ભગવાન શિવ નો વાર શા માટે માનવામાં આવે છે ?
સોમવાર ભગવાન શિવને સમર્પિત છે, એવું કહેવાય છે કે ભગવાન શિવ સરળતાથી પ્રસન્ન થાય છે. તેથી, ઘણા લોકો સોમવારે ઉપવાસ કરે છે.
ઉપવાસ કરતા કરતા ઉપાસકો દિવસ માં માત્ર એક જ વખત ખાય છે. લોકો ભગવાન શિવના મંદિરોની મુલાકાત લે છે અને પૂજા કરે છે, ખાસ કરીને અર્ધનરીશ્વર પૂજા, અને ‘ઓમ નમ: શિવાય’ મંત્ર નું સતત રટણ કરે છે. શિવ ભક્તો આ દિવસે શિવ પુરાણ નો પણ પાઠ કરે છે. કુવારી સ્ત્રીઓ શ્રેષ્ઠ પતિ મેળવવા માટે આ દિવસે ‘વ્રત’ કરે છે. અન્ય લોકો પોતાના જીવન માં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે વ્રત કરે છે.